Aadi anadi vachan paripuran
આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
વચનથી અધિક નહીં કાંઈ રે,
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે
ને સુરતા નિર્ગુણમાં સમાય રે ... આદિ અનાદિ
કર્મકાંડ એને નડે નહીં
જેને આવ્યો વચનનો વિશ્વાસ રે,
પગલું ભરે પણ વચન તપાસે ને
થઈ રહે ગુરુજીના દાસ રે ... આદિ અનાદિ
જનક વિદેહી ભૂલી ગયો ને
દીધો જેણે પેઘડે પાવ રે,
એક વરસ તેમાં રહ્યો પોતે
પછી બદલ્યો વચનનો ભાવ રે ... આદિ અનાદિ
દેહ છતાં તેને વિદેહી કીધો,
એ વચન તણો પ્રતાપ રે,
ગંગાસતી એમ બોલિયાં પાનબાઈ,
જેને નહીં ત્રિવિધનો તાપ રે ... આદિ અનાદિ
|
No comments:
Post a Comment